સ્વામી આનંદ ગાંધીજીના વિશ્વાસુ સહાયક હતા.આપણે સુરેશ દલાલના નિરીક્ષણ સાથે સંમત થઈએ કે “ગુજરાતી ગદ્યસૃષ્ટિમાં આંબાવાડીઓ અને દ્રાક્ષના બગીચાઓ અનેક છે,પણ કલ્પવૃક્ષ એક જ છે ને તે સ્વામી આનંદ.” સ્વામીએ લખેલા ચિરસ્મરણીય જીવનચરિત્રોમાંનું એક તે ‘મોનજી રૂદર.’
પાત્ર પર આવતાં પહેલાં સ્વામી પરિવેશ વર્ણવે છે. “ગુજરાતની માથાભારે કોમો બે. પાટીદાર ને અનાવલા…બેવ જમીનમાલિક…પોતાની એંટ ઈજતમાં ખુવાર થનારા.બળે પણ વળ ન મૂકે.”
વાપીથી તાપી વચ્ચે વસેલાં અનાવિલ બ્રાહ્મણો વિશે સ્વામી કહે છે, “ચડાઉ ધનેડું.જીભ બારેવાટ; સાંકળ મિજાગરું કશું ન મળે. પિતરાઈ-પાડોશીની ખેધે પડ્યો મેલે નહિ.” સુષ્ટુ-સુષ્ટુ લખે તે સ્વામી આનંદ નહિ. આનાથી કોઈની લાગણી દુભાશે, એમ વિચારીને ડરે તે બીજા! જે સાચું લાગ્યું તે બદઇરાદા વગર અને નીડરતાથી લખ્યું. સ્વામી તો અલગારી સાધુ હતા. ઉમરસાડીમાં વસતા અનાવિલ મોનજી રૂદરનું રેખાચિત્ર તેઓ એક લસરકે દોરે છે, “રોમેરોમ ગૃહસ્થાઈના ગુણ.સજ્જનતા સામાને ભીજવી મૂકે.. ઘેર ખેતી, પણ જમીન જૂજ.જોડધંધો દૂધ-ઘીનો.” ગાતાં ગાતાં કથા કરીને શ્રોતાઓને ડોલાવે.
પણછ પર ટૂંકાં વાક્યો ચડાવીને સ્વામી ધાર્યાં નિશાન પાડે છે. “…ઉધવાડું ત્રણ માઈલ. પારસી લોકની કાશી.” “મહેનતનો રોળો.ગરીબીનો ગૃહસ્થાશ્રમ.” “દરિયાકાંઠો.” ઘી વેચનાર મોનજીની ઇમાનદારી પર ઉધવાડું આફરીન. જેવા શિવ તેવી પાર્વતી. મોનજીની પત્ની ભીખીબાઈ કેવી હતી? “તાતી ગજવેલ ને તળપદું ખમીર.ભલા ભૂપને હડપચી ઝાલીને ધુણાવે.” મોનજીની દીકરી અંબાના બાળલગ્ન લેવાયેલા. સાતની ઉંમરે વિધવા થઈ. પિતાથી તેનું દુ:ખ દેખ્યું જાય નહિ એટલે ચીખલી પરણાવી દીધી. નાતીલાઓનો રોશ હૂહૂકાર કરી ભભૂકી ઊઠ્યો. બાળવિધવાનું પુનર્લગ્ન? જ્યારે મોનજી ન ઝૂક્યા ત્યારે પંચાયતે તેમને ન્યાતબહાર મૂક્યા. જે કોઈ તેમની જોડે બોલેચાલે તેને ૨૦૦ રૂ. દંડ! સ્વામી પંચાયતની વ્યાખ્યા કેવી બાંધે છે? “આંખે અંધારી ચડાવીને જીવનારા ઘરઘુસિયા લોકોનું સંગઠન.”
હવે મોનજી-ભીખીબાઈના જીવનનો મહાપ્રસંગ શરૂ થયો. “સૌ ન્યાતના ફરમાન આગળ અલ્લાની ગાય.ન્યાતની ખફગી નાગફણિયા થોરની જેમ તાબડતોબ વાગી.” રૂઢિપ્રયોગો ને કહેવતો સ્વામીને હસ્તામલકવત્ છે. આ શબ્દવારસો તેમણે માતા પાસેથી મેળવ્યો હતો. ‘જૂની મૂડી’ પુસ્તકમાં તેમણે વિસરાતો જતો શબ્દભંડોળ સાચવ્યો છે.
“પોરીને બહાર આણો,” કરતું નાતીલાવનું ટોળું મોનજીના ખોરડે આવ્યું. તેમનો ઇરાદો હુમલો કરવાનો હતો. ભીખીબાઈ વાઘણની જેમ કૂદીને બહાર આવી અને તેમને પડકાર્યા:
“કોણ મારી પોરીને લાવવા કે’તું છે? તું કિયાંનો બાદશા હાકેમ ગવંડર આવેલો જોઉં,મારી પોરીની પંચાત કરવાવાળો? મારી પોરીની મુખત્યાર હું; ને તીનો બાપ.તું કોણ થતો છે?”
સ્વામી ૧૯૪૫માં ભીખીબાઈને મળ્યા હતા. તે વખતના ટાંચણોના આધારે વીસ વરસ પછી તેમણે રેખાચિત્ર લખ્યું હતું. સંવાદલેખકને ઈર્ષા થાય તેવી શૈલી છે. તળપદી ભાષા પરનો કાબૂ અસાધારણ છે. સ્ત્રીઓ છેક પરાધીન હતી તે જમાનામાં ભીખીબાઈનું વ્યક્તિત્વ ઓજસ્વી દેખાય છે. વિધવાવિવાહનું સમર્થન કરવું કે બાળલગ્નનો વિરોધ કરવો એક વાત છે અને નાત આખીની સામે એકલપંડે ઝઝૂમવું બીજી વાત છે! નાતીલાઓ મમતે ચડ્યા. બીજી નાતો ઉપર દબાણ લાવ્યા કે મોનજીનું કામ ન કરવું. અનાવિલો ગામના ધણિયામા. સુતારલુહાર, તેલીમોચી, માછીમાંગેલાં,દૂબળાંની શી મજાલ કે તેમની લાંઠગીરી સામે માથું ઊંચકે! મોનજીએ નદી પાર કરીને ઉધવાડા જવાનું હોય. માછીઓને હુકમ કે રાત્રે નાવનાં હલેસાં ઘરભેગાં કરી દેવાનાં. મોનજીએ કલાકો બેસી રહેવું પડે. ઓટ આવે ત્યારે સામે પાર જવાય. પછી તેણે હિંમત કરી. ઘોડી પલાણે તેમ હોડી પલાણી અને હાથપગ હલેસાં પેઠે હલાવતાં નાવ પાર કરાવવા માંડી. રેતીમાં વહાણ હાંકવું તે આનું નામ.
સ્વામી રીતસરનું ભણતર પામ્યા નહોતા પણ બહુશ્રુત હતા. નાત સામેની લડત સંદર્ભે તેમને સાંભરે છે હેમિંગ્વેની લઘુનવલ ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી.’ કાચોપોચો લેખક ‘વૃદ્ધ અને સમુદ્ર’ એવો અનુવાદ કરતે પણ સ્વામી કહે છે, ‘માછીભાભો ને મેરામણ.’ (બાઈબલના ‘સરમન ઓન ધ માઉંટન’નો ‘ગિરિપ્રવચનો’ નામે અનુવાદ થયો છે, પણ સ્વામીએ અનુવાદ કર્યો, ‘ટીંબા પરથી ઉપદેશ.’) હેમિંગ્વેની વાર્તામાં બૂઢા માછી અને મહામસ્તાન તમંગળ મચ્છ વચ્ચેના સંગ્રામનું વર્ણન છે. મોનજીનો સંગ્રામ પણ તેવો છે. ભીખીબાઈનાં પિયરિયાં દીકરી સાથે વહેવાર ન રાખી શકે. દુકાનદાર દોઢિયાનું મીઠું ન વેચી શકે. નાતીલા મોનજીના ઢોર છોડાવીને સરકારી પાંજરે પુરાવી દે. રાતે છાપરે ઢળિયાં ફેંકી છોકરાંવને ડરાવે.ભીખીબાઈ ગોફણ ઉપાડીને સામા ગોળા લગાડે, “આવો, ફાટ્ટીમૂવાવ! આવો મોંબળ્યાવ! તમારું સામટું સરાધ કરું.” (પાછળથી ભીખીબાઈએ સ્વામીને કહેલું કે તે ડરતી હતી પણ સ્ત્રીનું બળ તેની તાતી જીભ!) આ સત્યકથાનું દસ્તાવેજીકરણ નહિ પણ નવલિકાકરણ છે.સ્વામીએ કોઈ સંપાદકનું આમંત્રણ ન સ્વીકારતાં કહેલું કે બહારની માગણીથી તે લખતા જ નથી. માનવમૂલ્યોને ઉજાગર કરવા જ તેમણે કલમ ઉપાડી છે.
ભીખીબાઈનો કૂવા પર જવાનો રસ્તો બંધ કરવાનો હુકમ નીકળ્યો. ભીખીબાઈ ધરાર કૂવે દેગડું મૂકી આવી. “જોઉં કેની માયેં સેર સૂંઠ ખાધી કે મને અટકાવે?” નાતીલાઓએ નિશાળના માસ્તરને દબડાવ્યા. કહ્યું કે મોનજીનાં પોયરાંને ખૂણે દીવાલ ભણી મોં કરી બેસાડે અને ભણાવે કશું નહિ. સરકારી અમલદારને ખબર પડતાં તેણે આ દુર્વ્યવહાર અટકાવ્યો. નાતીલાવે નાવીને મોનજીની હજામત કરતાં રોક્યો. હવે મોનજીના રુદિયાના બંધ છેક તૂટ્યા. પાડોશીઓને સંભળાય તેમ પોકેપોકે રડ્યા. ભીખીબાઈએ સાદ કરીને મોનજીને આંગણામાં બોલાવ્યા અને ગામના દેખતાં સાબુપાણી લઈ હજામત કરી. દાઢી બોડી, કાચમાં મોં દેખાડીને જ ઘરમાં ગઈ. સ્વામી લખે છે, “લાંઠ નાતીલાઓના એણે બોચીયેંથી ઝાલીને દાંત પાડ્યા.” આલંકારિકોએ શૈલીના ત્રણ ગુણ દર્શાવ્યા છે: માધુર્ય, ઓજ અને પ્રસાદ. અહીં ઓજનો ગુણ છે જે વીરરસનો પોષક છે.
ભીખીબાઈની પ્રસૂતિની વેળા આવી. નાતીલાઓએ દાયણને રોકી પાડી. ઉધવાડાવાળાએ દૂબળી મોકલીને ટાણું સાચવી લીધું. ઘણા સુધારકો અને અમલદારોએ મોનજીને ફરિયાદ નોંધાવવા કહ્યું, “ઘડીમાં પાંશરા કરી દઈએ બધાંને.” પણ મોનજીનો એક જ જવાબ, “ન્યાતનો ખોફ દૂધનો ઊભરો કહેવાય. ઘડીમાં બેસી જવાનો.” નાના ગામના નાના કહેવાતા માણસના ગુણ તેને મુઠ્ઠી ઊંચેરો બનાવે છે. શ્રેષ્ઠીઓ લાખો ખરચીને પોતાની જીવનકથા લખાવે તેવા આજના સમયથી વિપરીત સ્વામી ચીંથરે બાંધ્યું રતન લઈને આવ્યા છે.
કાવ્યશાસ્ત્રીઓએ નાયકના ચાર પ્રકાર કહ્યા છે. જેના ચિત્તમાં ક્રોધથી વિકાર ન આવે, જે ક્ષમાશીલ હોય, આપવડાઈ ન કરે, નમ્ર અને સ્થિર પ્રકૃતિનો હોય અને લીધું કાર્ય સંપન્ન કરીને જ રહે તેને ‘ધીરોદાત્ત’ નાયક કહે છે. મોનજી રૂદર આ કસોટી પર ખરા ઊતરે છે. (તેની તો અટક પણ નાયક છે!) મોનજીના નેક વર્તાવે બહિશ્કારની ધાર બૂઠી કરી નાખી. પાંચ વરસે નાતીલા બોલતા થયા. ૧૯૩૭માં મોનજી મોટા ગામતરે ગયા ત્યારે ઠાઠડી બાંધવા મોનજીના શત્રુદળનો અગ્રણી ન્યાતપટેલ સૌથી પહેલો આવ્યો અને બોલ્યો, “ગામમાં આ જ એક ભડવીર હતો.”
-ઉદયન ઠક્કર
One Response
“તારી હાક સુધી કોઇ ના આવે તો એકલો જાને રે.” રૂઢિચુસ્ત જ્ઞાતિવાદ સામે એકલપંડે લડનાર વીરાંગના ભીખીબાઇ અનેવીર મોનજીરૂદર અનાવિલ સમાજના જીવંત અને જાગૃત પાત્રો.