શરદ જોશી (૧૯૩૧-૧૯૯૧) હિંદીના અગ્રગણ્ય વ્યંગકાર હતા. તેઓ બોલવાના હોય તેવા સંમેલનોમાં ઉપસ્થિત રહેવાનું હિંદી હાસ્યકવિઓ ટાળતા- એવા ડરથી કે પોતે ઝાંખા પડી જશે. એવું તે શું હતું શરદ જોશીની શૈલીમાં? ‘સરકાર કા જાદૂ’ નામનો તેમનો નિબંધ માણીએ.
મંચ પર આવીને જાદૂગર બોલ્યો, “નમસ્કાર, સલામ, ગુડ ઈવનિંગ!” પછી એર ઇન્ડિયાના રાજાની જેમ નમ્રતાથી ઝુક્યો. (જુદા જુદા ધર્મોના માણસોનું અભિવાદન કરતા જાદૂગરોની લાક્ષણિકતા લેખકે આબાદ ઝીલી છે.) પછી જાદૂગરે કહ્યું, “દેવિયોં ઔર સજ્જનો, યહ હમારે મુલુક કા પ્રોગ્રામ હૈ, અભી તક લાખોં લોગોં ને ઇસે દેખા હૈ ઔર તારીફ કી હૈ.” જોરદાર પાર્શ્વસંગીત સાથે ખેલ શરૂ થયો. (યે જો હૈ જિંદગી, વિક્રમ ઔર વેતાલ, લાપતાગંજ જેવી અનેક સીરિયલના સંવાદ લખનાર શરદ જોશી નિબંધને કેવો નાટ્યાત્મક બનાવે છે!)
“ફર્સ્ટ આઇટમ આફ દિ પ્રોગ્રામ: આપ્લીકેશન ટૂ દ ગવરમેંટ” જાદૂગરે જાહેર કર્યું. (અંગ્રેજીના અશુદ્ધ ઉચ્ચાર જાદૂગરના પાત્રને વાસ્તવિક બનાવે છે.) વિંગ્સમાંથી બે છોકરી ડબ્બા લઈને મંચ પર આવી.એક ડબ્બા પર લખેલું ‘આવક’ અને બીજા પર ‘જાવક.’ એટલામાં એક માણસ ઘણાં બધાં આવેદનપત્રો લઈને આવ્યો.જાદૂગરે પ્રેક્ષકોને કહ્યું, “આરે, આજ બહુત સારા દરખાસ હૈ. હામ ઇસકૂ ગોબરમેંટ કો ભેજતા હૈ.” તેણે એક એક કરીને આવેદનપત્રો ‘આવક’ના ડબ્બામાં નાખ્યાં. પછી જાદૂની છડી ઘુમાવી. પેલા માણસને પૂછ્યું, “તુમ ઇધર કાયકુ ખડા હૈ?” પેલો બોલ્યો, “અપ્લીકેશન કા જવાબ માંગતા હૈ સર!” પેલા માણસે જાવકનો ડબ્બો ખોલ્યો તો ખાલી. આવકનો ડબ્બો ખોલ્યો તો એ પણ ખાલી! “સારા આપ્લીકેશન કિદર ગિયા?” “કિદર ગિયા?” “કિદર ગિયા?” પેલા માણસે નવાં આવેદનપત્રો આવકના ડબ્બામાં મૂક્યાં. જાદૂગરે ફરી છડી ફેરવી. હવે આવકનો ડબ્બો ખાલી હતો અને જાવકના ડબ્બામાંથી સૌ આવેદનપત્રો નીકળ્યાં. તેમની ઉપર ‘રીજેક્ટ’નો થપ્પો હતો. માણસનું મોં પડી ગયું. જાદૂગરે એને કાનમાં કશું કહ્યું. માણસ નવાં આવેદનપત્રો લાવ્યો. દરેક સાથે રૂપિયાની નોટ જોડીને આવેદનપત્રો આવકના ડબ્બામાં નાખ્યાં. જાદૂગરે છડી ફેરવી. આવકનો ડબ્બો ખાલી. બધાં આવેદનપત્રો જાવકના ડબ્બામાંથી નીકળ્યાં. ઉપર લખેલું ‘સેંક્શન.’ રૂપિયાની નોટ જોકે ગાયબ હતી! (‘સરકારી તંત્ર ભ્રષ્ટ છે’ એમ કહેવાથી માત્ર રાજકીય નિવેદન થાય. લેખકે સરકારી તંત્ર માટે જાદૂના ખેલનું રૂપક સ્વીકારીને સાહિત્યકૃતિ સરજી છે.કહેવાય છે કે ‘પોએટ્રી ઇઝ ઇન ધ ડીટેલ.’ અહીં ઝીણી ઝીણી વિગતો મુકાઈ છે.)
“નેક્સ્ટ આઇટમ, કરપ્શન ઓફ ઇન્ડિયા.” જાદૂગરે ટેબલ પર પડેલી રૂપિયાની થેલી ઊંધી કરી.બધા રૂપિયા નીચેના ડબ્બામાં પડી ગયા. પછી તે બોલ્યો, “યહ ભ્રષ્ટાચાર કી થૈલી હૈ. ઇસકા રુપયા કભી ખતમ નહીં હોયેંગા.” આટલું બોલીને થેલી ફરી ઉલટાવી. ફરી પાછા તેટલા જ રૂપિયા નીચે પડ્યા.(વ્યંગકારોએ વિકટ પરિસ્થિતિમાં દેશના આત્માને જીવંત રાખ્યો છે. ૧૯૭૫માં અમૃત નહાટાએ ફિલ્મ બનાવી હતી, ‘કિસ્સા કુર્સી કા,’ જેમાં સંજય ગાંધી, ધીરેન્દ્ર બ્રહ્મચારી વગેરે ઉપર તીખા કટાક્ષ કરાયા હતા. ફિલ્મને સેન્સરનું પ્રમાણપત્ર નહોતું મળ્યું, એટલું જ નહિ, તેની પ્રિન્ટને ગેરકાયદેસર રીતે બાળી નખાઈ હતી. આવું કરવા બદલ સંજય ગાંધી અને વી સી શુક્લને કેદની સજા થઈ હતી,પણ અપીલ કોર્ટે સજા રદ કરી હતી.)
પછીનો ખેલ હતો ‘ટુરિઝમ ઇન ઇન્ડિયા.’ લાકડાની કેબિનની બહાર સૂટેડ- બૂટેડ વિદેશી પર્યટક ઊભો હતો. તે કેબિનમાં પ્રવેશ્યો. બહાર નીકળ્યો ત્યારે કોટ ગાયબ. ફરી અંદર ગયો. આ વખતે ખમીસ અને ટાઈ ગાયબ. ફરી અંદર ગયો. બહાર નીકળ્યો કેવળ જાંઘિયાભેર. જાદૂગરે પૂછ્યું, “વેરી સોરી સર, આપકા પાટલૂન કિદર ગિયા?” પેલો બોલ્યો, “ઉસકુ બેચ કર અપના કંટ્રી રિટર્ન હોને કા ટિકટ ખરીદ લિયા.” મદદનીશ છોકરીઓએ કેબિનના પડદા ખોલ્યા. અંદરથી પણ કોટ,ખમીસ, પાટલૂન ગાયબ હતાં. (લેખક જાદૂના વિવિધ પ્રયોગોની સાથે સમાજની વિટંબણાઓ એક પછી એક જોડતા જાય છે. આને ‘કન્ટિન્યુઇંગ મેટાફર’ ‘સળંગ રૂપક’ કહે છે.)
નેક્સ્ટ આઇટમ હતી,’ઇકોનોમિક્સ ઓફ ઇન્ડિયા.’ ટેબલ પર બે ડબ્બા હતા, એક પર લખેલું,’જાહેર ક્ષેત્ર’ અને બીજા પર ‘ખાનગી ક્ષેત્ર.’ જાદૂગરે બન્ને ડબ્બામાં એક એક મરઘી મૂકી. પછી છડી ફેરવી. ખાનગી ક્ષેત્રના ડબ્બામાંથી મરઘી બહાર આવી. ઉપરાંત દસ તાજાં ઇંડાં મળ્યાં. જાદૂગરે જાહેર ક્ષેત્રનો ડબ્બો ખોલ્યો. એકેય ઇંડું ન મળ્યું. મરઘી પણ ગાયબ! હા, ખેંચી કઢાયેલાં બે’ક પીંછાં મળ્યાં. (આપણને હાશકારો થાય કે એર ઇન્ડિયાની મરતી મરઘીને આખરે ખાનગી ક્ષેત્રનો ડબ્બો મળ્યો.) જાદુગરે પાંચ ઇંડાં ખાનગી ક્ષેત્રના ડબ્બામાં મૂક્યાં અને પાંચ જાહેર ક્ષેત્રના ડબ્બામાં. જાદુઈ છડી ફેરવી. ખાનગી ક્ષેત્રના ડબ્બામાંથી ઇંડા ગાયબ. પણ પાંચ પીલું નીકળ્યાં. જાહેર ક્ષેત્રના ડબ્બામાંથી ન મળ્યાં પીલું કે ન મળ્યાં ઇંડાં. જાદુગરે માથું ખંજવાળ્યું, “અંડા ભી ગાયબ, મુર્ગી ભી ગાયબ! થોડા જાંચ-ઇન્ક્વારી કરના હોગા.” તે મંચ પરથી ઊતર્યો. સામે મિનિસ્ટર બેઠા હતા. તેમની બંડીમાંથી એક ઇંડું કાઢ્યું. આઇ એ એસ અફસરના નાકમાંથી બીજું ઇંડું ટપકાવ્યું.ટ્રેડ યુનિયન લીડરની ટોપીમાંથી ત્રીજું નીકળ્યું. એમ કરતાં ચોથું અને પાંચમું ઇંડું પણ મળ્યું. “યે વો પાંચ અંડા હૈ જો પબ્લિક સેક્ટર સે ગાયબ હો ગયા થા. હામ નહીં પકડતા તો સબ ઉસકા આમલેટ બનાકર ખા જાતા.” (પનામા પેપર્સ પછી પાંડોરા પેપર્સ વડે વિશ્વભરના રાજકારણીઓ, બાબુઓ, શઠો અને શેઠિયાઓના ખિસ્સામાં છુપાયેલાં ઇંડાં દેખાવા માંડ્યાં છે. સમાજસુધાર કરવો એ સાહિત્યની ફરજ નથી, પણ સાહિત્ય એ કામ કરે તો સોનામાં સુગંધ ભળે.)
નવો ખેલ: ભાઈભતીજાવાદ. જાદૂગરે એક જુવાનને પૂછ્યું, તું કોણ છે? પેલો બોલ્યો, પ્રધાનનો ભત્રીજો છું. જાદૂગરે તેને ટેબલ પર સુવડાવીને કહ્યું, “દેખિયે સાહિબાન, હમારે મુલ્ક મેં ભતીજા,બિના કુછ કિયે, કૈસે ઉપર ઊઠતા હૈ. કોઈ સાધારણ આદમી ઇતના ઉપર નહીં ઊઠ સકતા.” જાદુગરે છડી ઘુમાવી. ટેબલ પર સૂતેલો ભત્રીજો ધીરે ધીરે હવામાં ઉંચકાયો. તાળીઓનો ગડગડાટ થયો. (જાદૂગરો લેવિટેશનના પ્રયોગો કરતા હોય છે. તાજેતરમાં ભારતના એક મહાન નેતાના ભત્રીજાના ઘરે આવકવેરાના દરોડા પડ્યા હતા તેનું સહેજે સ્મરણ થાય.) આ સંદર્ભમાં સૂર્યભાનુ ગુપ્તનું કાવ્ય માણીએ:
“પેડકો સપના આયા એક રાત
કિ ઉસકી જગહ જંગલ મેં
એક કુર્સી ખડી હૈ
કુર્સી પર બૈઠા કૌઆ
ખીર ખા રહા હૈ
પૂરે ખાનદાન કે સાથ
પેડકો સપના આયા એક રાત”
હવે પછીનો ખેલ: ડેમોક્રસી ઇન ઇન્ડિયા. મંચ પર શરાબનાં ડ્રમ રાખવામાં આવ્યાં હતાં. દરેક ડ્રમ પર એક એક રાજકીય પક્ષનું નામ હતું. જાદૂગરે એક નેતાને ડ્રમમાં ઉતાર્યા. ઢાંકણું વાસ્યું. છડી ફેરવી. નેતા બીજા ડ્રમમાંથી બહાર નીકળ્યા.
“આંય! યહ તુમ ક્યા કિયા?”
“હમ દલબદલ કિયા.”
નેતા પાછા ડ્રમમાં બેઠા. જાદૂગરે લાકડી ફેરવી. નેતા ત્રીજા ડ્રમમાંથી પ્રકટ થયા.
છેલ્લા જાદૂનું નામ હતું: ગરીબનું પેટ. મંચ પર વીજળીથી ચાલતી કરવત લાવવામાં આવી. મેલાંઘેલાં કપડાંવાળા દુબળા માણસને ટેબલ પર સુવડાવ્યો. જાદૂગરે તેને આદર્શવાદી ભાષણોથી હિપ્નોટાઇઝ કરી દીધો. પછી કરવતથી માણસનું પેટ કપાવા લાગ્યું.
જાદૂગરે લળીલળીને કહ્યું, “પિછલે કઈ સાલોં સે હમ યહ જાદૂ ઇસ દેશ મેં દિખા રહે હૈં. હમેં આશીર્વાદ દીજિયે કિ ઐસે હી જાદૂ દિખાકર મુલ્ક કા નામ ઊંચા કરેં. જયહિંદ!”
આપણે હસવાનું? કે સ્તબ્ધ થઈ જવાનું?
એક જૂનું નાટક યાદ આવે છે. મંચ પર ઊભેલા માણસની છાતીમાં તીર પેઠું હતું. કોઈએ પૂછ્યું, “પીડા નથી થતી?” પેલો બોલ્યો, “હસું ત્યારે થાય છે.”
–ઉદયન ઠક્કર
No Responses