આપણી ભાષાનું એક ઉત્તમ ગીત

Please share

ગીત
સાંકડો થઈ માઉં તો છું પણ આમ હું કદી આટલામાં ના માઉં
અસલી મારું રૂપ એવું કે ધરતીના આ માટલામાં ના માઉં.
હાથ અને પગ સાવ નોંધારા લટક્યા કરે, સાવ નોંધારું શીશ
ધાવણું બાળક માય, મને તો સાંકડાં પડે ઊપણાં અને ઈસ
ચાર દિશાના ચાર પાયા હો એવડા નાના ખાટલામાં ના માઉં
નીતર્યા નર્યાં નીરમાં મને ઝીલતું તારી આંખનું સરોવર
જોઉં તો લાગે વચમાં રાતું ખીલતું કમળ હોઉં હું બરોબર
આમ તો હું છું એવડો કે બ્રહ્માંડ આખાના ચાટલામાં ના માઉં
– જગદીશ વ્યાસ

સુરેન્દ્રનગરના જગદીશ વ્યાસનું ૨૦૦૬માં કેલિફોર્નિયામાં કેન્સરથી અવસાન થયું, ત્યારે તેમની વય ૪૭ વર્ષની હતી.
ગીતની પહેલી જ પંક્તિથી કુતૂહલ જાગે- કવિ શેમાં સાંકડમુંકડ સમાવાની વાત કરે છે? બીજી પંક્તિમાં સંકેત મળે કે ‘માટલામાં.’ માણસ-ભલે સાંકડો થઈને પણ- માટલામાં ન સમાઈ શકે. હા, તેનાં અસ્થિ સમાઈ શકે. આપણે સભાન થઈએ- આ તો મરણોન્મુખ મનુષ્યની વાત છે! પછી બીજું આશ્ચર્ય આવે- ‘ધરતીના આ માટલામાં ના માઉં.’ કવિનું કદ જુઓ- માટલામાં તો નથી સમાતો, ધરતીમાં પણ નથી સમાતો. ‘ચિદાનંદ રૂપ: શિવોહમ્ શિવોહમ્.’ અહીં આપવડાઈની વાત નથી, આ તો મૃત્યુને જીવનનો પડકાર છે.’અસલી મારું રૂપ એવું’- કહીને રૂપ કેવું તે કલ્પના પર છોડી દીધું છે. રૂપનું વર્ણન કરવા જાય તો વિશ્વરૂપ દર્શન કરાવવું પડે, અને આ ગીત છે, ગીતા નથી.


પહેલા અંતરામાં ખાટલા સાથે લઈ જવાતા મૃતદેહનું વર્ણન આવે છે. કવિ, જાણે અળગા થઈને, દેહની દશાની વાત કરે છે- હાથ, પગ અને શીશ નિરાધાર લટકે છે. વર્ણન એવી નિર્મમતાથી થયું છે કે દ્રશ્ય આંખ સામે ભજવાતું લાગે.ઈસ એટલે ખાટલાના પાયાને જોડતાં લાકડાં, અને ઊપણું એટલે ખાટલાના માથા આગળનું લાકડું. જીવન પૂરું થવાની વેળાએ કવિ,કુશળતાથી, જીવન શરૂ થયાનું કલ્પન લઈ આવે છે- ‘ધાવણું બાળક માય..’ નાનકડું બાળક ખાટલામાં સમાય પણ કવિને ઊપણાં અને ઈસ ટૂંકા પડે છે.ખાટલાના પાયા કયા છે, તો’કે ચાર દિશાના! તે પણ કવિને સાંકડા પડે છે.પંક્તિએ પંક્તિએ મૃત્યુનો ઉપહાસ કરનારને આપણે શું કહીશું? મૃત્યુંજય?
(જગદીશના મિત્ર પ્રવીણ પંડ્યાએ કહ્યું કે એસટી બસમાં સરખી બેઠક ન મળ્યાથી આ ગીત લખાયું હતું. કાવ્ય પ્રકટ થાય, પછી ભાવકને પોતાની રીતે આસ્વાદવાની સ્વાયત્તતા હોય છે, જેનો વિનિયોગ મેં કર્યો છે.)


સખીની આંખો સરોવર જેવી છે.સરોવરના નીર માટે બે વિશેષણ પ્રયોજાયાં છે- નીતર્યા,નરા. આંખો નિર્મળ છે, નેહભરી છે.સખી કવિને તાકી રહી છે, કવિનું પ્રતિબિમ્બ તેની આંખોમાં ઝિલાય છે.કમળ વડે સરોવરની શોભામાં અભિવૃદ્ધિ થાય- કવિ કમળની જેમ આંખોમાં ઝૂલી રહ્યા છે. કમળ રાતું છે. સખીની આંખોમાં (હજી ન સળગાવાયેલી) ચિતાનું રાતું પ્રતિબિમ્બ ઝોલા ખાતું હશે? કે પછી સૌભાગ્યસૂચક ચાંદલો રાતા કમળ જેવો દેખાતો હશે? કવિ આખા બ્રહ્માંડના અરીસા (ચાટલા)માં ન સમાય, પણ સખીનાં નેણમાં સમાઈ જાય છે.


આ જાતઅનુભવમાંથી રચાયેલું ગીત છે. પોતાની સ્થિતિ માટે કવિ પ્રકૃતિને કે ઈશ્વરને ઠપકો દેતા નથી, જાતની દયા ખાતા નથી. ગીતમાં વેવલાઈ કે લાગણીવેડાનો છાંટો સુદ્ધાં નથી. ‘આટલામાં’ ‘માટલામાં’ ‘ખાટલામાં’ ‘ચાટલામાં’- ચુસ્ત પ્રાસ જરાય કૃતકતા વગર, સાહજિકતાથી મેળવાયા છે.


અવસાનના દોઢ માસ પૂર્વે જગદીશે કહેલી ગઝલના બે શેરથી સમાપન કરીએ-


મઝધારમાં ડૂબી રહ્યું હો વ્હાણ, દીકરી !
એવું જ મારું જીવવું તું જાણ, દીકરી !
હું ક્યાં રમી શકું છું તારી સાથ સ્હેજ પણ
શય્યામાં થનગને છે મારા પ્રાણ, દીકરી !

-ઉદયન ઠક્કર

Categories:

No Responses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *