ઇકરસ: બે ચિત્રો

Please share

(ડેડલસે પીંછાં મીણથી ચોંટાડીને પાંખો બનાવી અને પુત્ર ઇકરસને કહ્યું, ‘બહુ ઊંચે ન ઊડતો, નહિતર સૂર્યની ગરમીથી મીણ ઓગળી જશે.’ ઇકરસ ન માન્યો અને મીણ ઓગળતાં, ઊંધે માથે પછડાઈને સમુદ્રમાં ડૂબી મર્યો.- ગ્રીક મિથક.)
હતો એનો એ જ પ્રસંગ પણ
હતાં ચિત્ર સાવ અલગ અલગ,
જે નિહાળી એમ જ લાગતું,
કે બન્યા બનાવ અલગ અલગ.


એક
‘ઇકરસ માટે વિલાપ’
(ચિત્રકાર: હરબર્ટ ડ્રેપર,૧૮૯૮)
શું સમુદ્રમાંથી પ્રકટ થઈ,
તનુગૌરકાય સુમધ્યમા?
જુઓ ફેરવે છે નિતંબ પર,
રવિ હસ્ત ક્યારનો, મોજમાં.
ખડકાયા સામે ખડક ખડક,
સ્તનસાથળો ય ચળક ચળક.
નીરખે છે કોને ફરી ફરી?
અહો સોનું સોનું રહ્યું ઝરી,
જળ-વાયુ સૃષ્ટિ સમસ્તમાં.
સરી આવે બીજી,ત્રીજી પરી,
કરે ડોકિયાંઓ ડરી ડરી,
ધરી તંતુવાદ્યને હસ્તમાં.
કો યુવાન ઢાળીને આંખને,
ને શિથિલ કરી દઈ પાંખને,
ગતપ્રાણ,હાય, પડી રહ્યો.
શર છૂટતું જેમ ચાપથી,
તન શ્યામ શ્યામ છે તાપથી,
શિર ટેકવ્યું સ્તન-ઓશિકે.
ઇકરસથી વ્યાપ્ત ફલક ફલક,
અપલક દિશાઓ નિહાળતી:
મળે ના મળે ફરીથી ઝલક.
બે
‘ઇકરસના પતન સમયે કુદરતનું દ્રશ્ય’
(ચિત્રકાર: પીટર બ્રુએગલ સીનિયર, ૧૫૬૦)
કૃષિકાર હાંકતો જાય હળ,
ને ખલકનું ખૂલતું જાય તળ,
કરી પૂંઠ અશ્વ જઈ રહ્યો.
હળવેથી સૂરજ ઊતરે,
પીળકેસરી આ સમંદરે,
ગલ સેરવે કોઈ માછીમાર?
આ વહાણ ગાલ ફુલાવીને,
ક્ષિતિજોથી આંખ લડાવીને,
જતું વાવટા ફરકાવતું.
દસ ગાઉ દૂર ઇશાનમાં,
નગરી સરી જઈ ધ્યાનમાં,
ઝરણામાં પગ ઝબકોળતી.
જુએ કોણ? કોને પડી જ છે?
કે સમંદરે સમી સાંજરે,
ઇકરસ ડૂબે… ખૂણે ખાંચરે.


જો પીંછી હો આપના હાથમાં,
તો ચીતરશો કેવળ વ્યક્તિને?
કે ચીતરશો સારી સમષ્ટિને?
——-——
(લલગાલગા લલગાલગા… મુનિશેખર છંદની ચાલ.)


ઉદયન ઠક્કર


(નવનીત સમર્પણ, દીપોત્સવી અંક)

Categories:

No Responses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *