કાફકાની લઘુનવલ ‘મેટામોર્ફોસિસ’ (રૂપાંતર)ની શરૂઆત આમ થાય છે:
“ગ્રેગર સામસાએ ખરાબ સપનાંવાળી રાત પછી જાગીને જોયું, તો તેનું મોટા જીવડામાં પરિવર્તન થઈ ગયું હતું.”
બિછાનામાં પીઠ પર પડ્યે પડ્યે ગ્રેગરે પોતાનું ગોળ શરીર અને છ નાના પગ જોયાં. તેને વિચાર આવ્યો, “હું પાંચ વાગ્યાની ગાડી ચૂકી ગયો!” પોણા સાત થવા આવેલા, ઉતાવળ કરે તો સાતની ગાડી પકડી શકાય. પણ બિછાનામાંથી ઊતરવું કેમ? પડખું ફરાય નહિ. ગ્રેગર શરીરને બન્ને બાજુ ઝુલાવવા માંડ્યો, એવી આશાએ કે તે નીચે ગબડશે. (આપણે એકાએક જીવડું બની જઈએ તો? હેબતાઈ જઈએ, “આવું બન્યું જ શી રીતે? કોની મદદથી ફરી માણસ બનવું?” એને બદલે ગ્રેગર ગાડી ચૂકી ગયાનો અફસોસ કરે છે! માણસમાંથી જીવડામાં પરિવર્તન શી રીતે થયું, તેનો ખુલાસો કશે અપાયો જ નથી. આ ‘એબ્સર્ડ’ લઘુનવલ છે, જેમાં વિસંગત અને અતાર્કિક ઘટનાઓ બની શકે છે. ગ્રેગર નોકરી કરીને ઘર ચલાવે છે. તે કુટુંબ પ્રત્યે એટલો બધો સમર્પિત છે કે નોકરીમાંથી પાણીચું મળે તેની ચિંતા કરે છે અને પોતે જીવડું થયાનો સંતાપ કરતો નથી. ગ્રેગર બિછાનામાં હીંચોળિયાં ખાતો હોય, નાના પગ ઉલાળતો હોય, તેથી રમૂજ ઊપજે અને સહાનુભૂતિ પણ જાગે, જેને બ્લેક હ્યુમર કહે છે.)
ગ્રેગર પોતાના જીવન વિશે વિચારવા લાગ્યો: તે ટ્રાવેલિંગ સેલ્સમેન હતો,ફરતારામ. અજાણી હોટેલો, ગાડી પકડવાની દોડધામ, પરિચિતો ઘણા, મિત્ર એકેય નહિ. તેણે ઓરડામાં ફોટો મઢાવીને રાખેલો- કોઈ મિત્રનો નહિ પણ અખબારમાં છપાયેલો કોઈ યુવતીનો ફોટો. કેવું નિસ્સાર જીવન! તે વર્ષોથી નોકરી કરતો હતો, એવી આશાએ કે એક દિવસ બાપનું દેવું ચૂકવી દઈને રાજીનામું આપશે. (માણસ જીવડું બની ગયો એ ઘટના પરથી વાર્તા લખીને, કોઈએ કાફકાની લઘુનવલમાંથી ઉઠાંતરી કરી હતી. કાફકા ઠંડા પેટે બોલ્યા, “ભલે કરી. આ જમાનામાં માણસ જંતુવત્ જ થઈ ગયો છે.”)
ગ્રેગરની ત્રેવડ નહોતી કે વસાયેલું બારણું ખોલી શકે. તેટલામાં તેની ઓફિસનો મુખ્ય કારકૂન આવી ચડ્યો. ઓરડાની બહાર ઊભો ઊભો દમદાટી આપવા માંડ્યો, “તું ટ્રેન ચૂક્યો જ કેમ? પેઢીની રોકડ રકમ તારી પાસે છે. શેઠને આમેય તારી પર શક છે. તારી નોકરી ગઈ સમજ!” (૬ વર્ષથી ગ્રેગરે એક દહાડાની ય રજા લીધી નહોતી, અને ત્રણ કલાક મોડા પડવા બદલ તેની સાથે આવી વર્તણૂક? આ લઘુનવલ ૧૯૧૫માં પ્રકટ થઈ હતી, જ્યારે વિશ્વયુદ્ધને કારણે હતાશાનું અને એકલવાયાપણાનું વાતાવરણ હતું.) મુખ્ય કારકૂનનાં મનામણાં કરવા ગ્રેગરે નકૂચા પર જડબાં ભીંસ્યાં, ભાન થયું કે દાંત જ નથી, છતાં બળપૂર્વક નકૂચો ફેરવીને બારણું ખોલ્યું. તેના મોંમાંથી મટિયાળા રંગનું પ્રવાહી રેલાયું. ગ્રેગરને બદલે મસમોટો કીડો જોઈને મુખ્ય કારકૂન નાઠો, ગ્રેગરની મા ફસડાઈ પડી, બાપે- હુમલો કરવા માગતા હોય તેમ- મુઠ્ઠીઓ ભીંસી અને નાની બહેને ડૂસકું ભર્યું. બાપે એક હાથમાં છાપું લીધું અને બીજામાં લાકડી. “હડે! હડે!” કરી તે ગ્રેગરને ઓરડામાં ધકેલવા માંડ્યા. અધખુલા બારણામાંથી અંદર જવાય તેમ હતું નહિ. ગ્રેગરના પગ એક બાજુએ હવામાં વીંઝાતા હતા, બીજી બાજુએ જમીનસરસા કચડાતા હતા. બાપે એવી લાત મારી કે ગ્રેગર લોહીલુહાણ હાલતમાં ઓરડામાં જઈ ફસડાયો. (ગ્રેગરે જે કુટુંબીઓ માટે જીવન હોમી દીધું, તેમને મન તેની કિંમત કોડીની ય ન રહી, કારણ કે તે હવે કમાઉ દીકરો નહોતો. કાફકાએ સૂચના આપી હતી કે મૃત્યુ પછી તેની હસ્તપ્રતો સળગાવી નાખવી. તે ઇચ્છતો નહોતો કે લોકો તેની વાર્તામાં પોતાનો ચહેરો નિહાળીને છળી મરે.)
નાની બહેને ગ્રેગર માટે ઓરડીમાં દૂધ મૂક્યું. સાંજે જોયું તો દૂધ પિવાયું નહોતું. પછી તેણે કહોવાયેલાં ફળ, શાક, સડી ગયેલું ચીઝ એમ સાત-આઠ વાનાં મૂક્યાં જેથી ગ્રેગર ભાવતી વાનગી ખાઈ શકે. પૈસા ન હોવા છતાં ગ્રેગર બહેનને સંગીત-શાળામાં મૂકવાની તજવીજ કરતો હતો. બિછાના પર નહિ પરંતુ સોફાની નીચે ઘૂસી જઈને ગ્રેગરે આરામ કર્યો.રાતે કુટુંબીજનો વાળુ કરે ત્યારે શરીરને બારણાસરસું જડીને ગ્રેગર વાતો સાંભળતો. (ગ્રેગર માત્ર જીવડું હતે તો અન્યની વાતો સાંભળી ન શકતે, માણસની જેમ વિચારી ન શકતે. જીવડું તો પ્રતીક છે- એવા માણસનું જે અપંગ બની ગયો છે, અથવા કામ કરવાની ક્ષમતા ગુમાવી બેઠો છે,અથવા સમાજના ચોકઠામાં ગોઠવાઈ શકતો નથી.)
ગ્રેગર સમય પસાર કરવા ભીંતો અને છત પર હરવાફરવા લાગ્યો. તેને મોકળાશથી ફરવા મળે માટે બહેન અને મા ઓરડામાંથી રાચરચીલું બહાર ખસેડવા લાગ્યાં. ગ્રેગરને લાગ્યું કે પોતાના માનવ-અસ્તિત્વનો અંત આવી જશે એટલે યુવતીની છબીને વળગીને બેઠો. પહેલા દિવસ પછી માએ તેને જોયો જ નહોતો. છબી પર બેઠેલો કીડો અચાનક જોવાથી માને દમનો હુમલો આવ્યો. બાપને શંકા થઈ કે ગ્રેગરે આક્રમણ કર્યું, એટલે સફરજનથી તેને છૂંદ્યો. મા વચ્ચે પડી. ગ્રેગરનો જીવ બચ્યો પણ પગ ભાંગી ગયા. (લેખક અવાસ્તવિક ઘટનાનું નિરૂપણ વાસ્તવિક રીતે કરે છે, જે ‘એબ્સર્ડ’ સાહિત્યની ખાસિયત છે. વાર્તાનો સૂર સંયમિત છે, તેમાં લાગણીના ઉછાળા નથી. કથક (નેરેટર) ક્રોધ કે કરુણા વિના ઘટનાને વર્ણવતો જાય છે.)
હવે ઘર ચલાવવું કેમ? બાપે પટાવાળાની અને બહેને સેલ્સગર્લની નોકરી સ્વીકારી, મા સીવણકામ કરવા લાગી, ઘરેણા ક્રમેક્રમે વેચાવા લાગ્યા. કુટુંબીજનો વાત કરવા લાગ્યા કે ગ્રેગર ન હતે તો ઘર વેચીને નાની જગામાં જતા રહેતે. ગ્રેગર સૌને ભારરૂપ લાગવા માંડ્યો. બહેન લાત મારીને લૂખીસૂકી વાનગીનું વાસણ ઓરડામાં ધકેલતી,તેને એટલું જોવાની ય દરકાર નહોતી કે ગ્રેગર એમાંનું કશું ખાતો જ નથી. (કશું અમંગળ થવાનું છે તેના એંધાણ આવે છે. આ જ બહેન શરૂઆતમાં ગ્રેગર પ્રત્યે ખૂબ સમભાવ રાખતી હતી. લેખક સૂચવે છે કે સહાનુભૂતિની પણ એક સીમા હોય છે.) નવી નોકરડીની નજર ગ્રેગર પર પડતાં જ તે તિરસ્કારથી બોલી, “છટ! છાણનો કીડો!” આવક ઊભી કરવા ઘરમાં ભાડૂતો રખાયા હતા. એક રાતે બહેનનું વાયોલિન સાંભળવા ગ્રેગર ઓરડાની બહાર નીકળ્યો. ભાડૂતો બરાડ્યા, “કેવો ભયંકર કીડો! આ તે ઘર કે ગમાણ! અમે ભાડું નહિ આપીએ!” બહેન ભાંગી પડી, “આવા કીડા સાથે હું નહિ રહી શકું! એ કેમ કશે જતો નથી રહેતો?” (કદાચ આ જ કારણોસર કેટલાક સમાજોમાં સંથારો લેવાતો હશે. ‘વાનપ્રસ્થાશ્રમ’માં લોકો ઘર ત્યાગી જતા હશે. જાપાનની કેટલીક જાતિઓમાં રિવાજ હતો કે વડીલ ખૂબ વૃદ્ધ થાય ત્યારે દીકરો તેમને ખભા પર બેસાડીને પહાડ પર છોડી આવે.)
તે રાતે ગ્રેગરે પોતાના કુટુંબ વિશે પ્રેમ અને સમભાવથી વિચાર્યું. ડોક ઢાળી દઈને તે હંમેશ માટે પોઢી ગયો. (ગ્રેગર જેવા પરિવાર-પરાયણ માણસનો આવો અંજામ આવે એમાં કુદરતી ન્યાય નથી. આવું થયું કારણ કે દુનિયા ‘એબ્સર્ડ’ છે.)
‘મેટામોર્ફોસિસ’ લઘુનવલ જર્મન ભાષામાં ૧૯૧૫માં પ્રકટ થઈ, તેના વીસ વર્ષ પછી લાભશંકર ઠાકરનો જન્મ થયો. લાભશંકરના એકાંકી ‘વૃક્ષ’ પર એક નજર કરીએ: ચંપક અને તેની દીકરી ચકુ વરસાદમાં નહાય છે.અચાનક ચંપકના બન્ને પગ જમીનમાં ખોડાઈ જાય છે, બન્ને હાથ ઊંચકાતા જાય છે, અને તે બોલી ઊઠે છે, “હું વૃક્ષ છું.” (ગ્રેગરનું એકાએક જીવડામાં રૂપાંતર થયું હતું.) ચંપકના બાપા યાદ કરાવે છે, “અલ્યા, તારે દશ પચીસની બસ પકડવાની છે.” (ગ્રેગરે પાંચ વાગ્યાની ગાડી પકડવાની હતી.) ચંપકની પત્ની ડોક્ટરને બોલાવે છે. (ગ્રેગરની માએ પણ ડોક્ટરને બોલાવ્યા હતા.) ચંપક વૃક્ષ થઈ જવાથી તેની પત્ની અને દીકરી રુએ છે. (ગ્રેગર જીવડું થયો તેથી તેનાં મા અને બહેન પણ રોતાં હતાં.) ઘર મોટું કરવામાં વૃક્ષ આડે આવતાં ચંપકની પત્ની ઓર્ડર દે છે, “કાપી નાખો.” (ગ્રેગરની બહેને કહ્યું હતું: આ કેમ જતો નથી રહેતો?) ‘વૃક્ષ’ એકાંકી પર ‘મેટામોર્ફોસિસ’ની છાયા પડી હોય તેવું લાગે છે. અને આપણે જાણીએ છીએ કે જે વૃક્ષ છાયામાં ઉછરે તેનો વધુ વિકાસ ન થાય.
-ઉદયન ઠક્કર
One Response
સરસ