પારકા દેશમાં થતી સ્ત્રીઓની અવદશા વિશે તો ઘણું કહેવાયું છે, પણ આપણા પોતાના પ્રદેશમાં સ્ત્રીઓની દશાનું શું? ૨૦૧૫માં ‘મહોતું’ નવલિકા પ્રકટ થઈ ત્યારે લેખક રામ મોરીની વય માત્ર ૨૨ વર્ષની હતી. આ વાર્તા હર્ષા નામની કિશોરીને મુખે, સૌરાષ્ટ્રના ગોહિલવાડ પ્રદેશની ભાષામાં કહેવાઈ છે. “એ જય સગતમાં મારી બેનીને,” સાદ પાડતી એક કાંગસડી ડેલીમાં પ્રવેશે છે. ચાંદલા,બૂટિયા, નખ રંગવાની શીશી,અને ‘કટલેરી’ જેવી સામગ્રી શહેરથી લાવવી અને ગામમાં વેચવી, એ તેનું કામ. હર્ષા કહે છે, “કોરે બેઠી બેઠી હું ભરત ભરતી’તી…અમાર ડોશીમા તો ખાટલામાં ખુલ્લી આંખે સુતા’તા ને મારી બા વલોણાની ચાંપ બંધ કરી એનાં પાંખડે ચોટેલાં માખણનાં ફોદાં લૂછી લૂછીને છાલિયામાં કાંઠે ભેગા કરતી હતી.” ડોશીમા કાયમ ખાટલામાં પડ્યા રહે છે, ખુલ્લી આંખે. તે કેમ ગુમસુમ થઈ ગયા એનું રહસ્ય પછીથી ખૂલવાનું છે. નાતરાં ખેંચીને વલોણું ચલાવવું પડતું નથી, વીજળીથી ચાલે છે, આથી સજાગ વાચક કળી જાય છે કે આ વાર્તા જૂના જમાનાની નહિ પણ સાંપ્રત સમયની છે. દ્રશ્ય-વર્ણન જોયું? હવે શ્રાવ્ય-વર્ણન સાંભળો:
“અમારા ચાર રૂમની ઓશરીમાં પંખાનો અવાજ, બા જ્યારે બોઘડામાં હાથ નાખીને છાશ હલાવી હલાવી માખણનાં લોંદા કાઢતી હોય એનો અવાજ અને અમારી ડોશીના એકાદ બે નિહાકા સંભળાય, બીજી કોઈ ચહલપહલ ડેલીમાં નો હોય.”
ચાર રૂમની ઓશરીથી સુચવાયું છે કે ખમતીધર ખોરડું છે. દર પખવાડિયે ગપસપ કરવા આવતી કાંગસડી સિવાય બાને બીજી કોઈ સાહેલડી નથી.
“પેલાં તો એય મજાના તીનનાં તપેલાં ભરી ભરીને લૂગડાં લઈન નદીયે જાતા ને શીપ૨ માથે લૂગડાંની હારોહાર કેટલીય વાતો પથરાઈ જાતી…પોતાનાં ધણીને કાંઈ નો કઈ હકતી બાયું ઈના વરના સોવણાને કે બુશર્ટ પેન્ટને બમણાં જોરથી ધોકાવતી હોય એવુંય જોયેલું.”
જેમ બેડું વધુ ઊજળું તેમ બાઈ વધુ દુ:ખી. બેડું માંજવાને મિષે બીજી સ્ત્રીઓ પાસે હૈયાવરાળ ઠાલવવા મળે! પહેલાં તો બા નદીએ ધોકાવવા જતી. લેખક વાસ્તવવાદી હોવાથી બાયુંના માથે ‘માટીના ઘડૂલા’ નહિ પણ ‘ટીનનાં તપેલાં’ મૂકે છે. બાયું ધણી પરનો ગુસ્સો તેના બુશશર્ટ પર ઉતારતી. ઘરે નળ આવ્યા ત્યારથી ડેલી બહાર નીકળવાનું બહાનું જતું રહ્યું. ડેલીની આસપાસ વહવાયાંનો નિવાસ, બાપુએ તેમની ભેળા હળવામળવાની મનાઈ કરી દીધેલી, એટલે બા જાણે ડેલીમાં કેદ! કાંગસડી આવે ને વાત કરવાનું ઠેકાણું મળે. હવે ‘નહિ સાંધો નહિ રેણ’ની જેમ હર્ષા મુખ્ય પ્રસંગ પર આવે છે. “મારી બા તો બવ જ બોલતી ને વાતે વાતે દાંત કઢાવતી, પણ જ્યારથી આવી કાળી બપોરે જાગધારમાં પયણાવેલી મારી મોટીબહેન ભાવડી ખુલ્લા પગે બળબળતી બપોરે ઘરે ભાગી આવેલી ઈ ટાણાથી બાનું બોલવાનું ને દાંત કાઢવાનું બંધ. આવતા વેંત ભાવડી કોરે ઢગલો થઈને પડી ગયેલી ને છાતી ફાટી જાય એવું રોયેલી…એની ઈ કાળી રાડ્ય તો આજેય કાનમાં ટીબધું પાકેલાં વીંધામાં પરું ભરાયું હોય એમ દુખે છે.” ‘દાંત કઢાવવા’ (ખડખડાટ હસાવવા), ‘વારો પાડી દેવો’ (પીટવું), આવા રૂઢિપ્રયોગોથી વાર્તામાં લોકબોલી હૂબહૂ ઝિલાય છે.
“‘ઓય મારી માડી રે… મને મારી નાખશે ઈ રોઝડીનાવ.’ ગૂંચવાઈ ગયેલાં કોરા વાળ, સૂઝી ગયેલી આંખ્યું, પરસેવે રેબઝેબ ભાવડી કોરે બેવડ વળી ગયેલી, એનો આખો વાંહો લાલચોળ ને એમાં લાલ લાલ ચકામાં ઊપસી આવેલાં. બાના ગળામાં બેય હાથ પરોવી એ લગભગ બેસુધ જેવી થઈ ગયેલી.”
સાસરિયાઓએ ઢોરમાર માર્યો માટે ભાવડી પિયર ભાગી આવી છે. નાની બેને સગી આંખે દીઠેલું દ્રશ્ય આલેખ્યું હોવાથી અતિશયોક્તિને અવકાશ નથી. મૂઢમારથી થયેલી ઇજાનું વાસ્તવિક વર્ણન છે, લેખક ‘ઈમોશનલ બ્લેકમેલ’ કરતા નથી. લેખકે ફિલ્મો પણ લખી છે, આ દ્રષ્યો આંખ સામે ભજવાતાં લાગે છે. ભાવડીને જોવા ડેલામાં બાંધણીઓ ને લેરિયાંનાં ઘૂમટા ઉભરાવા લાગ્યા, ઓશરીમાં ચાના સબડકા અને બજર છીંકણીનાં પડીકાં ફરવા લાગ્યાં.ચોવટ કરતાં ગામવાળાં ગેલમાં આવી ગયાં. રાજેન્દ્ર શાહનું ગીત છે ને, ‘બોલવું ના કંઈ,આપણું હ્રદય ખોલવું ના કંઈ, વેણને રેવું ચૂપ! /આપણી વ્યથા, અવરને મન રસની કથા, ઇતર ન કંઈ તથા.’
“ઘરમાં બધી બાયું બાના ખોળામાં માથું મૂકીને પડેલી ભાવડીની હામે છીંડું તોડીને આવેલું કોઈ જનાવર હોય એમ જોસું બેઠેલ્યું.. હવે આનું કરવાનું છે હું? ઈ સુવાલ તો ચા પીવાઈ ગયેલી એંઠી રશ્કેબીની જેમ ઠેબે ચડતો હતો.”
માત્ર ગુજરાત નહિ, હરિયાણા અને બીજાં રાજ્યોમાં ય ખાપ-પંચાયતોનું જોર છે. સૌ ભાવડી સામે ઘૃણાથી જુએ છે. ‘છીંડું તોડીને આવેલું જનાવર’ અને ‘એંઠી રશ્કેબી’ની ઉપમાઓમાં નાવીન્ય અને (તે ગ્રામ્ય વાતાવરણ સાથે સુસંગત હોવાથી) ઔચિત્ય છે. એકાએક લિંબુઉછાળ મૂછોવાળા કાકાએ જાહેર કર્યું કે ભાવડીને સાસરિયે મૂકી આવવાની છે. બચાડીએ મરણપોક મૂકી. બાએ રાડ પાડી કે કસાઈવાડે લઈ જવા નહિ દઉં, ત્યાં તો…
“બાપુ ઘરમાં આવી ગ્યા અને એક દીધી હોય ને ફેરવીને… કહેતો ઊપડેલો હાથ બાના મોઢા પર ઝિંકાયો. ભાવડી તો બાને મૂકતી જ નહોતી, એનું બાવડું પકડીને બાપુએ વડકું કર્યું, ‘થા મોર્ય, નકર વારો પાડી દેશ મા-દીકરી બેયનો.”
સદીઓથી બનતું આવ્યું છે, દીકરી પાલખીમાં સાસરિયે જાય અને ઠાઠડીમાં બહાર આવે. (સાસરિયું છોડીને પિયર આવે તો સંપત્તિમાં હક્ક આપવો પડે ને.)આ અભિગમ માનવીય નહિ પણ આસુરી છે. રોતી કકળતી ભાવડીને પાણીનો કળશ્યોય નસીબ ન થયો અને તગેડી મુકાઈ. ડોશીએ ખાટલે પડ્યાં રોવાનું ચાલુ કર્યું. ત્યારે ફોડ પડ્યો કે તેની દીકરી પતિની મારપીટથી ત્રાસીને બળી મરી હતી. ડોશી, ભાવડીની બા અને ભાવડી: વેદનાનો વારસો પેઢી દર પેઢી કેવો ચાલતો આવે છે! ભાવડીને હડધૂત કરાયા પછી બા કેવી સોરવાય છે?
“બા ઘણીવાર કામ કરતી કરતી એનામાં ખોવાઈ જાય, દૂધ ઊભરાઈ જાય, રોટલા બળી જાય, ફળિયું વાળતી વાળતી હેઠી બેસી જાય, નળ હેઠે ડોલ છલકાતી હોય ને બા તો લમણે હાથ મૂકીને બસ રોયા જ કરે, રોયા જ કરે! ખાતી ખાતી ક્યારેક મને પૂછે કે, ‘હર્ષા, મારી ભાવુએ બિચારીએ ખાધું હશે?’ ને પછી કોળિયો એના ગળે ન ઊતરે. રાતે બા મારી ભેગી સૂતી હોય, અડધી રાતેય મારી આંખ ઊઘડી જાય ને જોઉં તો બા તો ભાવડી જ્યાં આવીને પડી હતી ઈ કોરે બેઠી બેઠી ત્યાં અટાણે અંધારામાં અપલક જોયા કરતી હોય.”
કેવો કરુણરસ! લાગણી છે પણ લાગણીવેડા નથી. મૃત બાળક માટે ઝૂરતી માતા વિશે ટાગોરે લખેલા ગીતની યાદ અપાવે તેવું વર્ણન! શું લેખક ઓરિજિનલ વિષય લઈને આવ્યા છે? ના, આપણા લોકગીતોમાં ય આ સમસ્યા ગવાતી આવી છે. અધ્ધર ઊડતી સમળીને સ્ત્રી કહે છે:
‘મારા દાદાની ડેલીએ જઈ કેજે
તમારી દીકરીને પડિયાં છે દુ:ખ’
‘દીકરી દુ:ખ હોય તે વેઠીએ
સુખ તો વેઠે છે સૌ’
‘દાદા!ખેતર હોય તો ખેડીએ
ડુંગર ખેડ્યા કેમ જાય?’
‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં’ ગીતમાં વહુ માતાને કહે છે,’દખનાં ઊગ્યાં છે ઝીણાં ઝાડ જો.’ આટલું કહેવા બદલ સાસરિયાં તેને આત્મહત્યા કરવા મજબૂર કરે છે. ‘પાતળી પરમાર’ની સાસુ પરજાતિની વહુનું કાસળ કાઢી નાખે છે. એક કૂટણામાં જુવાન વહુને ચકલીનું રૂપક અપાયું છે:
ચકલી છૂંદી,હાય,હાય!
નેવે ટાંગી,હાય,હાય!
હાય બચાડી,હાય,હાય!
એક દિવસ કાંગસડીની સાથે નાની કાંગસડી પણ આવી. બાને અચરજ થયું, “તારી દીકરીને તો પરણાવી દીધી હતી ને!” કાંગસડીએ ફોડ પાડ્યો, મારે કાને વાત આવી કે આનો ઘરવાળો દારુ પીને પડ્યો રહે છે, ઢોરમાર મારે છે. હું તો સાતની બસમાં ઊપડી અને નવની બસમાં આને પાછી લઈ આવી. “આંય બાકી મારી દીકરીની દાતરડીની કમાણી પર ઈ ભમરાળો તાગડધીના કરે ઈ વાતમાં માલ નહીં…” હર્ષાની બાને મહોતા સાથે વાત કરતી જોઈ બાપુએ સોટી ઊંચકી. (મહોતું એટલે પોતું મારવાનું મેલુંઘેલું કપડું,મસોતું, લઘરવઘર લોકો માટેનો તુચ્છકારવાચક શબ્દ.) બેય કાંગસડીઓ થઈ ચાલતી. “પવન ફૂંકાતો હતો અને એમાં એની ઓઢણીઓ ઊડાઊડ કરતી હતી.” અહીં ઊડતી ઓઢણીઓ પુરુષના દમનથી ન ડરીને આત્મનિર્ભર રહેનારી સ્ત્રીઓનું રૂપક છે.
“પવન બાના માથે ઓઢેલાં લેરિયામાં ભરાણો અને લેરિયાનો છેડો ઊડાઊડ કરતો’તો.” બાને મુક્તિની લહેર સ્પર્શી તો ખરી પણ તે સ્વતંત્ર ન થઈ શકી. હર્ષાને કહેવાનું મન થાય છે, “બાપુ, મહોતું તો મારી બાએ ઓઢ્યું છે… લેરિયું પેરીને ઓલી માદીકરી તો ક્યારનીય નીકળી ગ્યું!”
–ઉદયન ઠક્કર
(‘શબ્દસર’ નવે. ‘૨૧)
One Response
Wah!