એમ થાતું કે-
વન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી,
એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી.
ચારને ભારે લચક લચક થાઉં ને
મૂઆં ઝાડવાં નફટ આંખ ફાડીને જોઈ રહે,
મારી ઝાંઝરીયુંનું રણકી જોબન વાયરે ઊડ્યું જાય;
હાય રે, મારા પગને ભૂંડી ધૂળની લાગે નજર,
મારાં પગલાં સૂંઘી પાછળ પાછળ આવતા ચીલા
દોડતા આગળ થાય.
ગામને ઝાંપે આઘું ઓઢી ઘરની ભૂલું કેડી.
એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી
બારીએ બેઠી હોઉં ને
ખોળો ખૂંદતી કોમળ પગલીયુંના ખિલખિલાટે
ઊછળે છાતી : છલછલોછલ બે કાંઠે ઊભરાય નદીનાં વ્હેણ;
ઉંબરે ઊભી હોઉં ને વાટે ગાડેગાડાં
સીમની કૂણી સાંજ ભરીને સાહ્યબો આવે,
દનના ડુંગર ઊતરી આવે રાતનાં અબોલ કહેણ.
ઊંઘની આંબાડાળ : ટપોટપ સોણલિયાં લઉં વેડી.
વન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી.
– માધવ રામાનુજ
આ ખેડૂત-સ્ત્રીની ઉક્તિ છે.તેને વનમાં નહિ પણ વન વચ્ચે આવેલા પોતાના ખેતરમાં રસ છે, ગામમાં નહિ પણ ગામ વચ્ચે ઊભેલી પોતાની મેડીમાંરસ છે.ગીતનું મુખડું (પહેલી બે પંક્તિ) વન,ખીણ, ખેતર,ગામ અને મેડી વડે જાનપદી પરિવેશ રચી આપે છે. નાનકા બાળકને પોતાની મા ટેકરીજેવડી ઊંચી લાગે. ખીણ જોઈને સ્ત્રીમાં વાત્સલ્યભાવ ઉભરાય છે, તેડી લેવાનું મન થાય છે. બીજા અંતરામાં જાણવા મળે છે કે આ સ્ત્રીતાજેતરમાં મા બની છે, એટલે ખીણ પ્રત્યે વાત્સલ્યભાવ જાગે તે સહજ છે.
સીમ બાજુથી ચણિયાર (ઘાસચારો) માથે મૂકીને સ્ત્રી લચકાતી આવે છે. પહેલાં ડાબો, પછી જમણો પગ પડતો હોય, માંસલ દેહ વળ ખાતો હોય, તે દર્શાવવા ‘લચક’ શબ્દ બેવડાવ્યો છે. સ્ત્રીને અનુભવ હશે કે તેને જોવા ગામ આખું ઊભું રહી જાય છે, માટે કેડી વિજન હોવા છતાં તેને આભાસથાય છે કે વૃક્ષો તાકી રહ્યાં છે.સૌના આકર્ષણનું કેંદ્ર બનવાના ઓરતા હોવાથી સ્ત્રી, કલ્પના પણ કરતી હોય કે ઝાડવાં તેને આંખ ફાડીને જોઈરહ્યાં છે.રણકી રણકીને ઝાંઝર ચાડી ખાય છે કે જુવાન સ્ત્રી આવી રહી છે.’હાય રે’ ઉદ્ગાર સ્ત્રીબોલી સાથે સુસંગત છે.ધૂળની નજર લાગવાથી પગ મેલા થયા એવી કલ્પના કવિ કરે છે. (ખીણ, ઝાડવાં અને ધૂળમાં કવિએ સજીવારોપણ કર્યું છે.) ચીલા તો આગળ હોય અને પાછળ પણ. આવી સુંદર સ્ત્રીની પાછળ જવું કોને ન ગમે? ચીલા (શ્વાન હોય તેમ) પગલાં સૂંઘતાં પાછળ આવે છે. આ રૂપક પશુતા અને જાતીયતા તરફનુંઇંગિત છે. આખરે ગામ આવે છે, પણ સ્ત્રીએ એવડો ઘૂમટો તાણ્યો છે કે તે ઘરનો મારગ પારખી શકતી નથી.
સ્ત્રી બારી પાસે બેસીને સાહ્યબાની રાહ જુએ ત્યારે શિશુ તેનો ખોળો ખૂંદી રહે છે. બાળરમતથી સ્ત્રીની છાતી ઊછળે છે, જાણે નદી બે કાંઠેઊભરાય છે.’બે કાંઠે ઊભરાવું’ એટલે થાનેલાંથી ધાવણના ટશિયા ફૂટવા, વળી થાનેલાં તો બે જ હોયને.હેત એવું ઊભરાય છે કે ‘છલોછલ’ શબ્દઓછો પડે,માટે કવિ કહે છે, ‘છલછલોછલ.’ ગોરજટાણે ત્રણેય આવતાં દેખાય છે: સાહ્યબો, સાંજનો આથમતો ઉજાસ અને ગાડાં. એક જકલ્પનમાં આ ત્રણેયનો સમાવેશ કરીને કવિ કહે છે કે ગાડાંમાં સીમની કૂણી સાંજ ભરીને સાહ્યબો આવે છે. રૂઢિચુસ્ત સમાજમાં વર-વહુમોકળાશથી સંવાદ ન કરી શકે, માટે ‘રાતનાં અબોલ કહેણ.’ કવિ ઊંઘને માટે આંબાડાળનું નવતર રૂપક પ્રયોજે છે. શ્રમજીવીને નિંદર ઝટ આવે, સોણલાં ટપોટપ તોડી શકાય. સ્ત્રીના ગૃહજીવનની જેમ સોણલાં મીઠાં છે, રસાળ પણ.
આ કર્ણમંજુલ અને સુગેય ગીત છે. મુખડાની બેય પંક્તિમાં, અને દરેક અંતરાની અંતિમ પંક્તિમાં, સાત-સાત તાલ છે. અંતરાની અન્યપંક્તિઓમાં સત્તર કે ઓગણીસ તાલ છે. એ રીતે પઠનવૈવિધ્ય મળે છે.
One Response
વાહ દાદા. આ નવા સ્વરૂપે તમને મળવાની મઝા પડશે.