આઠમો સૂર

Please share

૨૧ જૂનના દિવસે, ૧૨૦ જેટલા દેશોમાં વિશ્વ સંગીત દિવસ ઉજવાય છે; ઉદ્યાનોમાં અને સ્ટેડિયમમાં કંઠ્ય અને વાદ્યસંગીતના જાહેર કાર્યક્રમો થાય છે.

માનવી પર સંગીતનો પ્રભાવ આદિકાળથી રહ્યો છે. સુશીલા મિશ્રાએ ‘સમ ઇમ્મોર્ટલ્સ ઓફ હિંદુસ્તાની મ્યુઝિક’ પુસ્તકમાં આવી કથા મૂકી છે: સ્વામી હરિદાસનો શિષ્ય તાનસેન અકબરના નવ રત્નોમાંનો એક હતો. તેનો ગુરુભાઈ સંગીતની ધૂનમાં સંસાર મૂકી દઈને રઝળતો હતો, અને ‘બૈજુ બાવરા’ તરીકે ઓળખાતો હતો. બૈજુની ભાળ કેમ મેળવવી? તાનસેને તરકીબ કરી. એક સ્પર્ધાનું આયોજન કર્યું. તાનસેનને શિકસ્ત આપવાની અનેક સંગીતકારોને તાલાવેલી હતી, પણ કોઈ ન ફાવ્યું. આ સમાચાર બૈજુને મળ્યા. તેણે તાનસેનનો ગર્વ ઉતારવાનો નિશ્ચય કર્યો. સ્પર્ધા શરૂ થઈ. પહેલાં તાનસેને રાગ તોડી ગાયો. સૂરાવલિઓથી આકર્ષાઈને વનવગડામાંથી હરણ દોડી આવ્યાં. તાનસેને એકના ગળામાં પોતાનો કીમતી હાર પહેરાવી દીધો. ગાન પૂરું થતાં હરણ જતાં રહ્યાં. બૈજુએ રાગ મૃગરંજની આલાપ્યો, હરણ ઊછળતાં-કૂદતાં પાછાં આવ્યાં. બૈજુએ પેલો હાર ઉતારી લીધો. હવે પડકાર ફેંકવાનો વારો બૈજુનો હતો.તેણે માલકૌંસના સૂર છેડ્યા.


ત્યાં છેડ્યો જલનાથના જલ
સમા,ગંભીર મુક્ત સ્વરે
અબ્ધિના તલ સપ્તપૂર્ણ
ભરતો,કો નવ્ય રાગોત્તમ
(રાજેન્દ્ર શાહ)

પડખેનો પથ્થર પીગળી ગયો.બૈજુએ તાનપૂરો તેમાં ગોઠવ્યો. ગાન પૂરું થતાંવેંત પથ્થર થીજી ગયો. ‘તાનપૂરો બહાર કાઢી આપ, તાનસેન!’ તાનસેનને પ્રતીતિ થઈ કે આ જ બૈજુ છે. બન્ને ગુરુભાઈ ગળે મળ્યા. આ કથા છે તો કાલ્પનિક,પણ સંગીતની શક્તિ દર્શાવે છે.


જાતકકથામાં પણ એક વાર્તા આવે છે: પૂર્વજન્મમાં બુદ્ધ કાશીના રાજ્યાશ્રિત સંગીતકાર હતા. નામ હતું ગુત્તિલ. એકદા કાશીના વેપારીઓ ઉજ્જૈન ગયા. તેમણે વીણાવાદક મૂસિલનો જલસો ગોઠવ્યો. દાદ ન મળી એટલે મૂસિલે પૂછ્યું, ‘મારી પ્રસ્તુતિ ન ગમી?’ વેપારીઓ આશ્ચર્ય પામ્યા, ‘પ્રસ્તુતિ? અમે તો સમજ્યા કે તમે તાર મેળવો છો!’ ‘તમને કોનું સંગીત ગમે છે?’ મૂસિલે પૂછ્યું. વેપારીઓએ ગુત્તિલની પ્રશંસા કરી. મૂસિલ ઉજ્જૈન મૂકીને કાશી ગયો. ગુત્તિલના ઘરે અંધ માતાપિતા બેઠાં હતાં. પાસે પડેલી વીણા ઉપાડીને મૂસિલ વગાડવા માંડ્યો. અંધ માતાપિતા વ્યાકુળ થઈ ઊઠ્યાં, ‘અરે, કોઈ ઉંદરડો વીણાના તારને કરડી રહ્યો છે!’ મૂસિલે તેમનો ચરણસ્પર્શ કરીને, ગુત્તિલના શિષ્ય બનવાની ઇચ્છા વ્યક્ત કરી. તેટલામાં ગુત્તિલ આવી ચડ્યા. મૂસિલને જોઈને તેમને શુભ સ્પંદનો ન જાગ્યાં; તેમણે વિદ્યાપ્રદાન કરવાનું નકાર્યું. માતાપિતાના આદેશને લીધે આખરે તેમણે મૂસિલને શિષ્ય તરીકે સ્વીકાર્યો. ગુત્તિલે કાળક્રમે પોતાની સર્વ વિદ્યા મૂસિલને શીખવી દીધી, કોઈ ગુરુચાવી બાકી ન રાખી. (‘વીણા સારી વગાડે તે પ્ર-વીણ’ એવી વ્યુત્પત્તિ છે.) ગુત્તિલે કાશીના રાજાને ભલામણ કરી કે પોતાના શિષ્યને રાજ્યાશ્રય મળે. રાજાએ નિર્ણય કર્યો કે મૂસિલને ગુત્તિલ કરતાં અરધું મહેનતાણું આપવું. મૂસિલે સરખેસરખા પૈસા મળે, એવી જિદ પકડી, ‘હું ગુરુથી ઊતરતો નથી, બલ્કે ચડિયાતો છું!’ રાજાએ આદેશ આપ્યો કે આજથી સાતમે દિવસે બે વચ્ચે વીણાવાદનની સ્પર્ધા થશે. ગુત્તિલ વિષાદમાં સરી પડ્યા. તેઓ વૃદ્ધ થયા હતા, શિષ્ય સામે પરાજિત થાય તો? પ્રતિષ્ઠા ધૂળમાં મળી જાય. શક્રે (ઇન્દ્રે) તેમને આશ્વાસન આપ્યું.


સ્પર્ધાને દિવસે જુગલબંધીનો પ્રારંભ થયો. એકને સાંભળો અને બીજાને ભૂલો. સભા મંત્રમુગ્ધ. ત્યાં તો… ગુત્તિલની વીણાનો તાર તૂટ્યો. તાજ્જુબ! સંગીત પૂર્વવત્ રેલાતું રહ્યું. સભા વાહ વાહના પોકાર કરવા લાગી. હવે મૂસિલની વીણાનો તાર તૂટ્યો. મૂસિલ બસૂરો થઈ ગયો. પછી તો ગુત્તિલની વીણાનો બીજો તાર તૂટ્યો, ત્રીજો તાર તૂટ્યો, પરંતુ સૂરાવલિમાં ફેર ન પડ્યો. નવસો અપ્સરાઓ સ્વર્ગથી ઊતરીને નૃત્ય કરવા લાગી. સભાના જયજયકાર વચ્ચે ગુત્તિલ સર્વોપરિ રહ્યા.


કિંવદંતી મૂકીને હવે ઇતિહાસ પર આવીએ. સિકંદર બિન મહંમદે ૧૬૧૧માં મિરાત-એ-સિકંદરી નામનો ઇતિહાસ ગ્રંથ રચ્યો હતો. સિકંદર લખે છે કે હુમાયૂંએ માંડુના યુદ્ધમાં, ગુજરાતના સુલતાન બહાદુરશાહ ઉપર વિજય મેળવ્યો. હુમાયૂંને ઝનૂન ચડ્યું, રાતા વસ્ત્ર પહેરીને તેણે કત્લેઆમ ચલાવી. એક રાજપૂત વચ્ચે પડ્યો, ‘હજૂર, આને ન મારશો, આ તો મિયાં મંઝૂ, રાજગવૈયો…’ હુમાયૂંએ કરડા અવાજે કહ્યું, ‘મંઝૂ, કશું સંભળાવ!’ પછીની વાત કવિતારૂપે-


કંઠને મોકળો કર્યો મિયાંએ
મલ્હારમાં
વૃક્ષનાં પાન થયાં સરવાં
બજવા લાગ્યાં મૃદંગ
ક્યાંક વળી જલતરંગ
ચકલીની પાંખો પહેરીને
ધૂળ ઊડી
વાદળે મારી ફૂંક
માટીની મુઠ્ઠીમાંથી
અત્તર નીકળ્યું
વાતાવરણમાં ખંજન પડ્યું
હુમાયૂંનો પોષાક થયો
લીલોછમ્મ
તેણે આઠ હજારમાંથી
સાત હજાર કેદીને મુક્ત કર્યા
મંઝૂએ અરજ કરી:
હજૂર,બાકીનાને પણ…
હુમાયૂં કહે:
તારા એક એક સૂર સામે
અમે હજાર હજારને
આઝાદ કર્યા
હવે કશું નવું સંભળાવ
તમામને આઝાદ કરીશું
…….
ક્યારે થશે સૌ આઝાદ?
ક્યારે સંભળાવશે સંગીતકાર
આઠમો સૂર?


-ઉદયન ઠક્કર

No Responses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *