પુરુષો બેઠા હતા
ત્યારે એ અંદર આવી, સાવ નિર્વસ્ત્ર
તેઓ ઢીંચતા હતા: તેમણે થૂંકવા માંડ્યું
એ નદીમાંથી તાજી જ નીકળી હતી, અબુધ-અણજાણ
એ માર્ગ ભૂલેલી જળપરી હતી
અપમાનો વહી ચાલ્યાં એની ચળકતી માંસપેશીઓ પરથી
બિભત્સ રસમાં ડૂબતાં ગયાં એનાં સોનેરી સ્તન
અશ્રુથી અજાણી હોઈ એણે અશ્રુ ન સાર્યાં
વસ્ત્રોથી અજાણી હોઈ એણે વસ્ત્રો નહોતાં પહેર્યાં
તેમણે ખરડી એને, બળેલા બૂચ અને બીડીનાં ઠૂંઠિયાંથી
તેઓ હસીહસીને લોટપોટ થઈ ગયા, પીઠાની ફરસ પર
એ બોલી નહિ કારણ કે એની પાસે વાચા નહોતી
એની આંખોનો રંગ, આઘેઆઘેના પ્રેમ જેવો
એના હસ્તની જોડ, શ્વેત પોખરાજમાંથી ઘડેલી
એના હોઠ ફરક્યા હળવે હળવે, પરવાળાના પ્રકાશમાં
એકાએક નીકળી ગઈ એ બારણાની બહાર
નદીમાં ઊતરતાંવેંત થઈ ગઈ નિર્મળ
વર્ષામાં ચળકતા સ્ફટિક સમી
અને પાછું જોયા વિના એણે તરવા માંડ્યું
તરવા માંડ્યું શૂન્ય તરફ, તરવા માંડ્યું મૃત્યુ તરફ– પાબ્લોનેરુદા (અંગ્રેજી પરથી અનુ. ઉદયન)
આંખો છે પણ દ્રષ્ટિ નથી
સ્પેનિશમાં લખતા ચિલીના કવિ પાબ્લો નેરુદાને ૧૯૭૧માં સાહિત્યનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું.
પીઠામાં પુરુષો બેઠા હતા ત્યારે એક જળપરી અંદર આવી, ‘સાવ નિર્વસ્ત્ર’- સત્ય ઢાંકપિછોડો ન કરે, એ તો ફરે ઉઘાડે છોગ. ‘તેઓ ઢીંચતા હતા’- ધ વર્લ્ડ ઇઝ નોટ ઇન ઇટ્સ સેન્સિસ, વિશ્વ વિવેકબુદ્ધિ ખોઈ બેઠું છે. ‘તેમણે થૂંકવા માંડ્યું’- મહામાનવ બનવું કપરું છે, પણ મહામાનવને ગાળ આપવી સહેલી છે. દારૂડિયો ઊલટી ન કરે તો બીજું કરેય શું? ‘નદીમાંથી તાજી જ નીકળી હતી’- નદીના તાજા જળ સાથે થૂંકનો વિરોધ ઊડીને આંખે વળગે તેવો છે. સંત તુકારામ નદીમાં નહાઈને આવતા હતા ત્યારે કોઈ અદેખો તેમના પર થૂંક્યો એ પ્રસંગ જાણીતો છે. વળી પ્રેમ અને સૌંદર્યની દેવી વિનસનો જન્મ સમુદ્રનાં ફીણમાંથી થયો હતો. ‘અબુધ-અણજાણ’- સંસારના આટાપાટાથી અણજાણ જળપરી વાસ્તવિકતાની ભોંય પર ચાલી ન શકે. ‘માર્ગ ભૂલેલી’- ક્યાં જળપરી અને ક્યાં પીઠું? જળનો જીવ સ્થળ પર આવી ચડ્યો! માર્ગથી ચ્યુત કોણ થયું? જળપરી કે દારૂડિયાઓ? ‘અપમાનો’ ‘બિભત્સ રસ’- જળપરીનો દોષ એટલો જ કે એ સુંદર હતી.પંચતંત્રમાં ‘હંસકાકીયમ્’ ની વાર્તા છે: હંસે કાગડાના પ્રાણ બચાવ્યા, બદલામાં કાગડાએ હંસ પર વિષ્ઠા કરી! ‘વહી ચાલ્યાં’ ‘ડૂબતાં ગયાં’- પરી જળમાંથી આવી હોવાથી કવિ વહેવું-ડૂબવું ક્રિયાપદો પ્રયોજે છે. દારૂડિયાઓ સ્તન સુધી તો પહોંચ્યા પણ મન સુધી નહિ. ‘માંસપેશીઓના ચળકાટ’થી વધુ તેમને કશું ન દેખાયું કારણ કે તેમને આંખો હતી પણ દ્રષ્ટિ નહોતી.
જીવનો અસલી સ્વભાવ તે આનંદ. જળપરીને અશ્રુની ઓળખ જ નહોતી. ‘તેમણે ખરડી એને’- પરીના સ્તર સુધી ન પહોંચાયું માટે તેમણે પરીને પોતાના સ્તરે પછાડી. સેડિઝમ- પરપીડનના આનંદથી શરાબીઓ ઝૂમી ઊઠ્યા. જળપરીએ પ્રતિકાર ન કર્યો, મૌન રહી. જળપરી લૌકિક નહિ પણ અલૌકિક હતી એ દર્શાવવા કવિ રહસ્યમય રીતે વર્ણન કરે છે. જળને તળિયે ખીલતા પરવાળાના પ્રકાશમાં એના હોઠ ફરક્યા, હળવે, હળવે. આંખો પરથી કળાતું હતું કે પ્રેમ એને માટે આઘેની વસ્તુ છે. ‘શ્વેત પોખરાજમાંથી ઘડેલા હસ્તની જોડ’- લોકસાહિત્યના દુહાગીરે ગાયું છે:
કંચનવરણી કામિની, (એના) કંકુવરણા હાથ
પારસબિબું બનાવિયું (જે ‘દિ) નવરો દીનાનાથ‘એકાએક નીકળી ગઈ એ’- નીતર્યા નિર્મળ જીવને જગત ઝાઝું ન જાળવી શકે. જોન ઓફ આર્ક ઓગણીસમા વર્ષે ગઈ, ઈસુ ગયા ત્રીસ કે પાંત્રીસે. આ કાવ્યના અંગ્રેજી અનુવાદનું શીર્ષક છે ‘ફેબલ ઓફ ધ મર્મેડ એન્ડ ધ ડ્રંક્સ.’ આ એક ઉત્તમ ફેબલ (દંતકથા, નીતિકથા કે આખ્યાન) છે, વળી ઉત્તમ કાવ્ય તો છે જ. જળપરી શેનું પ્રતીક છે? નિર્દોષતાનું? પ્રકૃતિનું? સંસ્કૃતિનું? બે કે ચાર યાદગાર પ્રતીક રચી શકનાર કવિનો જન્મારો સફળ થયો લેખાય છે, જ્યારે નેરુદાએ તો આવાં અનેક પ્રતીક રચ્યાં છે.
Categories:
No Responses